February 02, 2012

યુ.કે. બાઇટ્સઃ નટરાજ

          અમદાવાદમાં હતો ત્યારે સમજણ આવ્યા બાદ ભાગ્યે જ પ્રકૃતિ સાથે અને ખાસ કરીને વૃક્ષો સાથે પનારો પડ્યો છે. ઘણીવાર એમ થતું કે વર્ડસવર્થ કે ફ્રોસ્ટ કે શેલી ની પ્રકૃતિસભર કવિતાઓ વાંચતાં-વાંચતાં કોઈ વૃક્ષ જોવાનું મન થાય તો છેલ્લા ઉપાય તરીકે દૂરબીન લઈને ધાબે જવું પડતું. લંડનના વસવાટમાં એ બહુ મોટું સુખ છે. એક વફાદાર મિત્રની જેમ પ્રકૃતિ હંમેશા સાથે જ રહી છે. અહીં આવીને પહેલીવાર ફૂલનો રસ પીવામાં મગ્ન ભમરો જોવા મળ્યો છે. ઘરની આસપાસમાં જ ત્રણ પાર્ક છે. અને તે ત્રણમાં સૌથી મોટા બર્હામ પાર્કમાં રહેલા આ વૃક્ષે મને હંમેશા નટરાજની યાદ અપાવી છે.

નટરાજ વૃક્ષ નટરાજ

January 31, 2012

ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષી


આજે ગાંધી જયંતી નિમિત્તે મેટ્રો જેવા વિદેશી અખબારે પણ આવી તસવીર રજૂ કરીને ગાંધીજીને સંભાર્યા અને સન્માન્યા હતાં. ઇ.સ. ૧૯૯૭ માં ગાંધીજીની કૌટુંબિક છબીને લગતી એક નવલકથા અને બે નાટકો જોઈને ચંદ્રકાંત બક્ષી ઊકળી ઉઠ્યાં હતાં. ‘જેમને માટે હરિલાલ ગાંધી કે નાથુરામ ગોડસે હીરો છે’ તેમને માટે બક્ષીબાબુએ ગાંધીજી વિષે ઇ.સ. ૧૯૯૮ માં લખેલા એક લેખના કેટલાક અંશોઃ
          જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ રાખવામાં આવ્યું છે અને આ ઘટના ૧૯૯૭ના અંતની છે. વીસમી સદીના વિશ્વના મહાન વિપ્લાવક ચે ગુવેરાની પુત્રી એલેઇડા ગુવેરા નવેમ્બર ૧૯૯૭માં દિલ્હી આવી હતી અને એણે કહ્યું કે (મારા પિતા) ચે પર મહાત્મા ગાંધીની જબરજસ્ત અસર હતી. ઇઝરાયલના સ્થાપક અને રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર દક્ષિણ ઇઝરાયલના નેગેવ રેગિસ્તાનમાં કિબુત્ઝ સ્દેહ બોકર પ્રદેશમાં આજે પણ યથાતથ રાખ્યું છે અને એમાં બેનગુરિયોંએ લટકાવેલો ગાંધીજીનો ફોટો આજે પણ એમ જ છે. ન્યુયૉર્કમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે વાક્યો લખ્યાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે ગાંધીનું છે. મેક્સિકોના ખેતમજૂરોનો નેતા સિઝારે કહેતો હતો કે એના આંદોલનોની પ્રેરણા ગાંધીજી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે શ્રેષ્ઠ કવિતા બ્રાઝિલની એક પોર્ટુગીઝ કવિયત્રીએ પોર્ટુગીઝ ભાષામાં લખી હતી. ફિલિપીન્સના વિરોધનેતા નીનોય એક્વીનોએ ‘ગાંધી’ ફિલ્મ જોઈ અને ગાંધીજીમાંથી પ્રેરણા લઈને ફિલિપીન્સ પાછા ફરવાનો નિર્ણય કર્યો. મનિલા ઍરપોર્ટ પર માર્કોસના હત્યારાઓએ એક્વીનોનું ખૂન કર્યું, ફિલિપીન્સમાં બળવો થઈ ગયો, માર્કોસ દેશનિકાલ થઈ વિદેશમાં મર્યો, અને નીનોય એક્વીનોની વિધવા કોરી એક્વીનો દેશની રાષ્ટ્રપતિ થઈ. એક ગાંધીએ ફિલિપીન્સના ઇતિહાસનું ચક્ર ફેરવી નાખ્યું. અમેરિકન કાળી પ્રજાના દેવતા માર્ટીન લ્યુથર કિંગે ગાંધીજીની અહિંસા અને નાફરમાની પરથી પ્રેરણા લઈને અમેરિકન કાળાઓ માટે ગાંધીવાદી આંદોલન કર્યું અને અમેરિકાના ઇતિહાસે એક કરવટ બદલી નાખી. દક્ષિણ આફ્રિકાના રેબન દ્વીપમાં આજીવન કારાવાસના કૈદી નેલ્સન મંડેલાએ વારંવાર કહ્યું છે કે એમને ટકાવી રાખનાર પ્રેરક પરિબળનું નામ હતું : ગાંધી! ૨૦મી સદીના મહાનતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિને અંજલિ આપીઃ આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે!

          કોણ હતા ગાંધીજી? સિંગાપુર રેડિયો પર નેતાજી સુભાષ બોઝે એમને ‘ફાધર ઑફ ધ નેશન’ અથવા રાષ્ટ્રપિતા કહ્યા હતા. જવાહરલાલ નેહરુએ એમને ‘તાજી હવાની એક લહર’ કહ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતુઃ ...ગાંધીએ આહ્વાન કર્યું અને હિંદુસ્તાન ખીલી ઊઠ્યું એ નૂતમ મહાનતામાં, પ્રાચીન કાલની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. અને ૧૯૮૧માં પાકિસ્તાનના કરાચીમાં એમના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાન મરહૂમની વિધવા રાના લિયાકતઅલીએ મને (ચંદ્રકાંત બક્ષીને) કહેલી વાત ભુલાતી નથી : પ્રોફેસર બક્ષી! તમને લોકોને ઇંડિયામાં ખબર નથી, ગાંધીએ તમારે માટે શું કર્યું છે? ગાંધીએ ૧૯૧૯માં મુંબઈમાં સારા ઘરની સ્ત્રીઓને રસ્તા પર લાવી હતી, દેશની આઝાદીના સંગ્રામ માટે! આજે (૧૯૮૧માં) પાકિસ્તાનમાં સ્ત્રીઓની હોકી ટીમને અમે ઑલિમ્પિક્સમાં મોકલી શકતાં નથી! હિંદુસ્તાનના ઇતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!...
          લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે, અને એ પ્રતિમાની સામે ઊભા રહીને તમે શું વિચાર કરી શકો છો?
રાષ્ટ્રપિતાને વંદન!


(આ અંશોની ગંગોત્રી એટલે 'અભિયાન'ના ૩ જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં છપાયેલ 'ગાંધીજી, ગુજરાતી નાટકિયાઓના અને તમારામારાઆપણા...' લેખ જેને બક્ષીબાબુની નમસ્કાર શ્રેણીના પુસ્તક 'દર્શન વિશ્વ'માં સ્થાન આપવામાં આવ્યું છે.)

January 28, 2012

યુ.કે. બાઇટ્સઃ પુસ્તકપ્રેમીની વ્યથા

          બસ કે ટ્યૂબમાં  નિયમિત મુસાફરી કરનારા એ સમયનો ઉપયોગ અહીં મોટાભાગે સંગીત સાંભળવા માટે કે વાંચવા માટે કરતા જોવા મળે છે. કોઈ પરિચિત તેમને જોઈ જાય તો બે વસ્તુ બનેઃ (૧) વાંચનાર કે સંગીત સાંભળનારને ડિસ્ટર્બ ન કરવા. (૨) જો બંનેની નજરો મળી જાય તો એકદમ ધીમા અવાજે વાતો કરવી કે જેથી બીજા ડિસ્ટર્બ ન થાય. પણ જો કોઈ ભારતીય ઉપખંડની વ્યકિત સંગીત સાંભળતી કે વાંચતી હોય, અને તેને ભારતીય ઉપખંડનું જ કોઈ જોઈ જાય તો શું થઈ શકે તેની એક યાદીઃ
  • જો નેટવર્ક હોય, તો પોતાના મોબાઈલ થી જે-તે સંગીત સાંભળી રહેલા પરિચિતને મિસ-કૉલ મારવો.
  • જો નેટવર્ક ન હોય, તો તેની બાજુમાં જઈને બેસવું અને તેને ખભા પર એક ટાપલી મારી આખો ડબ્બો સાંભળે તેમ પૂછવું, 'શું પાર્ટી, બહુ બિઝિ થઈ ગયા છો ને આજકાલ?'
  • બસની છેલ્લી સીટ પર જગા મળી હોય, અને પરિચિત બે-ત્રણ સીટ આગળ બેસીને સંગીત કે પુસ્તક માણતો હોય તો ત્યાંથી જ બૂમો પાડીને વાતો કરવી.
  • જો પેલો પુસ્તક પ્રેમી હસીને એકાદ-બે સવાલના જવાબ આપીને પાછો તેની નજર પુસ્તક તરફ લઈ જાય તો પછી પુસ્તક વિશે સવાલ પૂછવામાં આવે. 'શેની ચોપડી છે?' અથવા 'એકાદ લીટીમાં કહો કે શું વાર્તા છે?' (સૌથી પીડાકારક સવાલ.) lol
  • કોઈ નવલકથાનું નવું પ્રકરણ શરૂ થતું હોય, તો તે જોઈને પૂછે, 'બીજી વાર્તા શરૂ થઈ? આગળની વાર્તામાં શું હતું?'
  • પુસ્તકપ્રેમીની વાંચવાની આદત વિશે કોમેન્ટ કરવી, 'આ શું યાર આખો દિવસ વાંચવાનું? કંટાળો નથી આવતો? હું તો ભણવાની ચોપડીઓ પણ માંડ-માંડ વાંચતો'તો.'
(ઇમેજ કર્ટસી @Quote4Writers http://t.co/I66mxo90 )

January 21, 2012

યુ.કે. બાઇટ્સઃ BBC News અને London24.com પર

મિત્રો,


          ગઈ કાલે આ બ્લૉગ પર પ્રસિદ્ધ થયેલ ઓક્સફર્ડ સ્ટ્રીટ જળબંબોળ ના વીડિયોને BBC News અને London24.com પર પૂર્વપરવાનગી સાથે સ્થાન આપવામાં આવ્યું છે.


સસ્નેહ,


ચિરાગ ઠક્કર 'જય'

January 20, 2012

યુ.કે. બાઇટ્સઃ ઓક્સફર્ડ સ્ટ્રીટ જળબંબોળ

          જેમ અમદાવાદનો સી.જી. રોડ તેમ લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ. ગઈકાલે, જાન્યુઆરી ૧૨, ૨૦૧૨ ના રોજ સાંજના આઠથી સાડા આઠ દરમિયાન એ ઓક્સફર્ડ સ્ટ્રીટના પશ્ચિમ છેડે પાણી લઈ જતી એક પાઈપ ફાટતાં તે ભાગ જળબંબોળ થઈ ગયો હતો. શરૂઆતનો અડધો કલાક તેને હળવાશથી લેવામાં આવ્યું પણ જેવું પાણીનું સ્તર વધવા લાગ્યું કે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ થયા હતાં. માત્ર ભારતમાં જ આવું થાય તેમ થોડું છે! ત્યાં આવા દ્રશ્યો સર્જાયા હતાં-

Flooded Oxford Street Flooded Oxford Street Flooded Oxford Street
Flooded Oxford Street Flooded Oxford Street

          તે સમયની એક નાનકડી વીડિયો ક્લિપ (૧ મિનિટ ૨૧ સેકન્ડ)-